પોરબંદર: IPL 2026 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્લી કેપિટલ્સ વચ્ચે ચાલી રહેલી લાઇવ ટી-૨૦ મેચ પર સટ્ટો રમતા એક ઇસમને પોરબંદર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક આરોપી હાલ ફરાર છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ IPL દરમિયાન સટ્ટાબાજી રોકવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર એમ.એન. જાડેજાની ટીમને મળેલી બાતમીના આધારે કનકાઈ માતાજીના મંદિર પાસે જાદવ પાનવાળી ગલી, જુરીબાગ વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી.
રેડ દરમિયાન આરોપી અનીલ હિરાલાલ મઢવી (ઉ. 44) મોબાઇલ દ્વારા લાઇવ મેચ પર સટ્ટો રમતો ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઇલ ફોન સહિત આશરે ₹10,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સહઆરોપી જેતાભાઈ મોઢવાડીયા હાલ ફરાર છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે IPL દરમિયાન સટ્ટાબાજી સામે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે.
0 Comments