પોરબંદર શહેરમાં સોશિયલ મીડિયા પર અશ્લીલ અને અપશબ્દોથી ભરેલું ગીત અપલોડ કરનાર એક વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, આરોપીએ પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડી પર એવો વીડિયો મૂક્યો હતો કે જેને સાંભળતા બહેન-દીકરીઓ સહિત વડીલોમા પણ ભારે ક્ષોભ ફેલાયો હતો. આ ઘટનાથી પોરબંદર શહેરની સામાજિક ગરિમાને ઠેસ પહોંચ્યાનો આક્ષેપ ઉઠ્યો હતો.
મામલો પોલીસના ધ્યાન પર આવતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સંબંધિત વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. પોલીસની કડક સમજણ બાદ આરોપીએ હાથ જોડીને સમગ્ર પોરબંદરવાસીઓ પાસે માફી માંગી હતી અને વિવાદાસ્પદ વીડિયો તરત જ ડિલીટ કરી દીધો હતો.
જણાવવામાં આવ્યું છે કે આ વ્યક્તિ વ્યવસાયે સિંગર છે અને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારનું કન્ટેન્ટ મૂકવા માટે ઓળખાય છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં પણ આવા જ એક અન્ય વ્યક્તિએ અપશબ્દો અને કાયદાની અવગણના દર્શાવતો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો, જેના પર પણ પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસ તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સમાજમાં નકારાત્મક અસર પેદા કરે તેવા અશ્લીલ, અપમાનજનક અને ઉશ્કેરણીજનક કન્ટેન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ, અફવાઓ, અશ્લીલ વીડિયો, ધાર્મિક અથવા જાતિવાદી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ તેમજ કોઈની ખાનગી માહિતી જાહેર કરતી સામગ્રી શેર કરવાથી દૂર રહેવું જોઈએ.
અંતમાં પોલીસે નાગરિકોને સકારાત્મક, જાગૃતિ લાવતું અને સમાજ માટે ઉપયોગી કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો છે.
0 Comments