મુખ્યમંત્રીના હસ્તે પોરબંદરમાં Rs. 241 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આયોજન


પોરબંદર શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આગામી 19 માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદરની મુલાકાતે આવી રહ્યા છે. આ અવસરે તાજાવાલા હોલ ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં અંદાજે Rs. 241 કરોડથી વધુના ખર્ચના વિવિધ 23 વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.
Rs. 229 કરોડના 16 નવા કામોનું ખાતમુહૂર્ત
શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે Rs. 229.33 કરોડના ખર્ચે નવા કામો હાથ ધરવામાં આવશે. જેમાં મુખ્યત્વે:
પાણી પુરવઠા: અમૃત 2.0 અને ‘નલ સે જલ’ યોજના હેઠળ વોટર સપ્લાય પ્રોજેક્ટ તથા નવા ભળેલા વિસ્તારો (જાવર, દિગ્વિજયગઢ, વનાણા અને રતનપર) માં નવી પાઇપલાઇન અને ટાંકીઓના નિર્માણ.
માર્ગ અને લાઈટિંગ: આઇકોનિક રોડ ડેવલોપમેન્ટ, શહેરના મુખ્ય માર્ગો પર સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ અને ખાપટ-જનકપુરી વિસ્તારમાં નવા રસ્તાઓ.
શહેરનું સૌંદર્ય: અસ્માવતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ ફાઉન્ટેન, હેરીટેજ સ્ટેટ લાઇબ્રેરીનું નવીનીકરણ, કમલાબાગ ગાર્ડન અને પેરેડાઈઝ સર્કલનો વિકાસ.
અન્ય સુવિધાઓ: એમ.ઈ.એમ. સ્કૂલનું નિર્માણ, નરસંગ ટેકરી પાસે વેજીટેબલ માર્કેટ અને વિવિધ વિસ્તારોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ.
Rs. 12 કરોડના 7 કામોનું લોકાર્પણ
જનતાની સુવિધા માટે તૈયાર થયેલા Rs. 12.14 કરોડના કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. જેમાં ગોઢાણીયા પમ્પિંગ સ્ટેશન, મહાનગરપાલિકા બિલ્ડિંગ અપગ્રેડેશન, ગધાઈવાડા ખાતે કોમ્યુનિટી હોલ, કનકાઈ મંદિર ગાર્ડન અને બંદર રોડ પર નવી સ્ટ્રીટ લાઇટની સુવિધાનો સમાવેશ થાય છે.
સ્માર્ટ અને સુવિધાસભર પોરબંદર તરફ ડગ
મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના વિઝન મુજબ, આ પ્રોજેક્ટો પૂર્ણ થવાથી પોરબંદરના નાગરિકોના જીવનધોરણમાં સુધારો થશે અને શહેર સ્વચ્છ, સુવ્યવસ્થિત તથા 'સ્માર્ટ સિટી' તરફ આગળ વધશે.
19 માર્ચે યોજાનારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

Post a Comment

0 Comments