શીશલીના વાડી વિસ્તારમાં ૧૦૮ની ટીમે કરાવી સફળ પ્રસૂતિ: શ્રમિક પરિવારમાં ખિલખિલાટ

શીશલીના વાડી વિસ્તારમાં ૧૦૮ની ટીમે કરાવી સફળ પ્રસૂતિ: શ્રમિક પરિવારમાં ખિલખિલાટ 
પોરબંદર: ૧૦૮ની સમયસૂચકતાથી માતા અને નવજાત બાળકનો જીવ બચ્યો; મોઢવાડા ટીમની કામગીરીને બિરદાવવામાં આવી
આધુનિક યુગમાં આરોગ્ય ક્ષેત્રે ૧૦૮ની સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પોરબંદરના શીશલી ગામના વાડી વિસ્તારમાં રહેતી એક શ્રમિક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮ની ટીમે હોસ્પિટલ પહોંચવા સુધીની રાહ જોવાને બદલે વાડીમાં જ સફળ પ્રસૂતિ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
તા. ૨૫ના રોજ શીશલી ગામના વાડી વિસ્તારમાં રહેતા મજૂર પરિવારની મહિલાને બીજી પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડી હતી. આ અંગે જાણ થતા જ મોઢવાડા ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, મહિલાની સ્થિતિ જોતા તેને હોસ્પિટલ લઈ જવી જોખમી જણાતી હતી.
સમયની ગંભીરતા અને મહિલાની તકલીફ જોઈને ૧૦૮ના ઈ.એમ.ટી. નીતાબેન અને પાયલોટ કિશોરભાઈ મોકરિયાએ હેડ ઓફિસના ફિઝિશિયન ડો. કરણના માર્ગદર્શન હેઠળ પોતાની સૂઝબૂઝ અને તાલીમની મદદથી વાડીમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો.
માતા-બાળક સુરક્ષિત
૧૦૮ની ટીમની કુશળતા અને સમયસૂચકતાને કારણે મહિલાએ તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. બાળકનો રુદન સાંભળતા જ શ્રમિક પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સમાં જરૂરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા અને નવજાત શિશુને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ (લેડી હોસ્પિટલ) ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.
ટીમ પર અભિનંદનની વર્ષા
આ સફળ કામગીરી બદલ ૧૦૮ના જિલ્લા પ્રોગ્રામ મેનેજર આકાશ સર અને જિલ્લા એક્ઝિક્યુટિવ દર્શક યાદવ દ્વારા મોઢવાડા ૧૦૮ની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિકટ પરિસ્થિતિમાં પણ ધૈર્ય રાખીને સફળ ડિલિવરી કરાવવા બદલ સ્થાનિકોએ પણ નીતાબેન અને કિશોરભાઈની કામગીરીને બિરદાવી હતી

Post a Comment

0 Comments