૦૦૦
*માધવપુર મેળામાં ગુંજશે ગીતાબેન રબારી અને રાજ ગઢવી જેવા દિગ્ગજ કલાકારોના સૂર*
૦૦૦
*માધવપુરના મેળામાં નોર્થ-ઈસ્ટ અને ગુજરાતના ફ્યુઝન નૃત્યોની જામશે રંગત*
૦૦૦
*ભગવાન શ્રીકૃષ્ણ-રુક્ષ્મણી વિવાહ પ્રસંગે માધવપુરમાં સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ થશે: પાંચ દિવસીય લોકમેળાની સત્તાવાર રૂપરેખા જાહેર*
૦૦૦
પોરબંદર.તા.૨૪; ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગની સ્મૃતિમાં યોજાતો સુપ્રસિદ્ધ માધવપુરનો મેળો આ વર્ષે પણ પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આ વર્ષના આયોજન અંગે વિગતો આપતા જિલ્લા યુવા વિકાસ અધિકારી સુશ્રી તેજલબેન ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દર વર્ષની માફક આ વર્ષે પણ મેળામાં પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વ (North-East) ભારતના કલાકારોની સંયુક્ત સાંસ્કૃતિક પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.
આ મેળો તા. ૨૭ માર્ચ ૨૦૨૬ થી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાશે, જેમાં દરરોજ રાત્રે નોર્થ-ઈસ્ટ, ગુજરાત અને બંનેના ફ્યુઝન નૃત્યોની ગ્રાઉન્ડ કોરિયોગ્રાફી રજૂ કરવામાં આવશે. આ આયોજન દ્વારા ગુજરાત અને પૂર્વોત્તર રાજ્યો વચ્ચેના પ્રાચીન સંબંધોને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં બંને પ્રદેશોના કલાકારો એક જ મંચ પર આવી પોતાની કલા અને પરંપરાનું પ્રદર્શન કરશે.
સમગ્ર મેળા દરમિયાન વિવિધ ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, પ્રથમ દિવસે તા. ૨૭મીએ જાણીતા લોક ગાયિકા સુશ્રી ગીતાબેન રબારી, ૨૮મીએ શ્રી રાજ ગઢવી અને શ્રી મયુર દવે, ૨૯મીએ શ્રી ઋષભ આહિર તેમજ ૩૦મીએ શ્યામલ-શબદ ગ્રુપ દ્વારા શ્રી કૃષ્ણમય સંગીતની સભાઓ જામશે.
આ ઉપરાંત સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે દરરોજ ૩૦ મિનિટ સ્થાનિક ગ્રુપની પ્રસ્તુતિ પણ રાખવામાં આવી છે. મેળાના અંતિમ દિવસે તા. ૩૧.૦૩.૨૦૨૬ ના રોજ દ્વારકા ખાતે રાજેશ આહિર એન્ડ ગ્રુપના કાર્યક્રમ સાથે મલ્ટી મીડિયા શો અને ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે.
0 Comments