પોરબંદરના દરિયાકાંઠે પ્રવાસનનું નવું નજરાણું: રતનપર 'જન્નત બીચ'ના વિકાસ માટે 1.10 કરોડનું ટેન્ડર જાહેર

પોરબંદરના દરિયાકાંઠે પ્રવાસનનું નવું નજરાણું: રતનપર 'જન્નત બીચ'ના વિકાસ માટે 1.10 કરોડનું ટેન્ડર જાહેર
પ્રથમ તબક્કા હેઠળ ગેઝીબો, આકર્ષક લાઈટિંગ અને બીચ વોલીબોલ જેવી સુવિધાઓથી સજ્જ થશે ફર્ન હોટલ સામેનો દરિયાકાંઠો
પોરબંદર | શનિવાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓને અનુસરીને પોરબંદર શહેરમાં આધારભૂત સુવિધાઓ અને પ્રવાસન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રોજેક્ટો અમલમાં મુકાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ચોપાટી અને દરિયાકાંઠા વિસ્તારના વિકાસ માટે વિશેષ આયોજન હાથ ધરાયું છે. આ સંદર્ભમાં મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ રૂપે રતનપર બીચના વિકાસ માટે પહેલ કરવામાં આવી છે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ
નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને બાંધકામ વિભાગના સીટી એન્જિનિયર જયદીપસિંહ રાણાના જણાવ્યા મુજબ, મહાનગરપાલિકા દ્વારા રતનપર વિસ્તારમાં આવેલ બીચના વિકાસ માટે પ્રથમ તબક્કા હેઠળ 1.10 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રવાસીઓ માટે નીચે મુજબની સુવિધાઓ ઊભી કરાશે:
ગેઝીબો: બીચ પર આશરે 10 ગેઝીબો બનાવવામાં આવશે.
લાઈટિંગ અને લેન્ડસ્કેપિંગ: આકર્ષક લાઈટિંગ સિસ્ટમ તેમજ હરિયાળી વધારતા લેન્ડસ્કેપિંગના કાર્યોનો સમાવેશ.
રમતગમત: યુવાનો અને પ્રવાસીઓ માટે મનોરંજન હેતુસર બીચ વોલીબોલ જેવી પ્રવૃત્તિઓ માટે વિશેષ વ્યવસ્થા.
પ્રવાસનને મળશે વેગ
નોંધનીય છે કે આ પ્રોજેક્ટનું સ્થળ 'જન્નત બીચ' તરીકે ઓળખાય છે, જે ફર્ન હોટલ સામે આવેલ છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ વિસ્તારનું સૌંદર્ય વધશે અને પોરબંદર શહેરમાં પર્યટન પ્રવૃત્તિઓને નોંધપાત્ર વેગ મળશે. આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં આ બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને શહેરની સૌંદર્યમય ઓળખને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Post a Comment

0 Comments