રાણાવાવ પોલીસ દ્વારા પ્રોહિબિશન કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ રાણાવાવ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સંયુક્ત રીતે મળેલી હકીકતના આધારે વાળોત્રા ગામ ખાતે કિશોર ખીમાભાઈ કટારા અને વિજય ખીમાભાઈ કટારા રહેતા હોય તેવી વાડીમાં સર્ચ કરી રેઇડ કરવામાં આવી હતી.
પોલીસે રેઇડ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૩૭૪ ફુલ બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કુલ અંદાજિત કિંમત રૂ.૧,૩૪,૮૦૦ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પરથી સમગ્ર મુદામાલ કબજે કરી પ્રોહિબિશન કાયદા હેઠળ કેસ નોંધ્યો છે.
દરમિયાન આરોપી કિશોર ખીમાભાઈ કટારા અને વિજય ખીમાભાઈ કટારા પોલીસ કાર્યવાહી પહેલા જ ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓ સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
0 Comments