રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુલ મહિલા કોલેજમાં કોમર્સ વિભાગના ચાણક્ય સ્ટડી સર્કલ અંતર્ગત તથા કોલેજના આચાર્ય ડૉ. અનુપમરતનશંકર નાગર ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમની માનસિક સુખાકારીને પ્રોત્સાહિત કરવા માટે “માનસિક આરોગ્ય” વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું।
આધુનિક યુગમાં વધતી સ્પર્ધા, ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ, શૈક્ષણિક દબાણ તેમજ વ્યક્તિગત જીવનની પડકારજનક પરિસ્થિતિઓને કારણે યુવાનોમાં માનસિક તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓમાં માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાય અને તેઓ યોગ્ય માર્ગદર્શન મેળવી શકે તે હેતુસર આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું।
કાર્યક્રમમાં ડો. ભરતસિંહ ડોડીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે માનસિક આરોગ્ય માત્ર રોગોની ગેરહાજરી નથી, પરંતુ વ્યક્તિ પોતાના વિચારો, ભાવનાઓ અને વર્તન વચ્ચે સંતુલન જાળવી શકે તેવી સકારાત્મક સ્થિતિ છે. સમયસર ધ્યાન ન આપવાથી સામાન્ય તણાવ પણ ગંભીર સમસ્યામાં પરિવર્તિત થઈ શકે છે તે બાબત પર તેમણે ખાસ ભાર મૂક્યો।
તેમણે માનસિક તણાવ, ચિંતા અને ડિપ્રેશનના મુખ્ય કારણો સમજાવતાં જણાવ્યું કે આજની સ્પર્ધાત્મક જીવનશૈલી, અભ્યાસનું વધતું દબાણ, કારકિર્દી અંગેની અનિશ્ચિતતા અને વધતી અપેક્ષાઓ આ સમસ્યાઓને વધુ ગંભીર બનાવે છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ જીવનશૈલીના પ્રભાવ અંગે તેમણે જણાવ્યું કે સતત તુલનાત્મક ભાવના, વધુ સ્ક્રીન ટાઈમ અને વર્ચ્યુઅલ જીવનશૈલી વ્યક્તિના આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ પર નકારાત્મક અસર કરે છે।
તેમણે વિદ્યાર્થીઓને તણાવનું સંચાલન કરવા માટે લક્ષ્યનિર્ધારણ, સમયનું યોગ્ય આયોજન, પ્રાથમિકતાઓ નક્કી કરવી અને સકારાત્મક વિચારસરણી અપનાવવાની સલાહ આપી. તેમણે ઉમેર્યું કે નિષ્ફળતા જીવનનો સ્વાભાવિક ભાગ છે અને તેમાંથી શીખીને આગળ વધવું જ સાચી પ્રગતિનું સૂચક છે. સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી માનસિક આરોગ્ય માટે અત્યંત જરૂરી છે તે બાબત પણ તેમણે સમજાવી।
અંતે આભારદર્શન કુ. સંધ્યા મોઢવાડિયા દ્વારા કરવામાં આવ્યું. શિવાની સુંડાવદરા, કાજલ કુછડિયા, વર્ષા ઓડેદરા, કૃષ્ણા ધોકિયા અને સોનલ કુછડિયાએ વિદ્યાર્થી પ્રતિભાવ વ્યક્ત કર્યા. આ વ્યાખ્યાનમાં આશરે ૫૨ જેટલી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી।
0 Comments